।। ૐ ।।

“ જ્ઞાન મંદિરનો ઉદેશ “

ફરીને આ સંસારમાં , ભજવો પડે ન વેશ

જ્ઞાને અજ્ઞાન ટાળવું, એજ પરમ ઉદેશ

મતભેદોના કારણે, વિધ વિધ જ્ઞાન મનાય,

જીવ શિવની એકતા, ખરૂં જ્ઞાન કહેવાય

સંમ્પ્રદાયની વાડથી, પરા રહી થવું શાંત,

મન વચન અને કર્મથી, ગાવું માત્ર વેદાન્ત

તત્ત્વનાં દોહન રૂપી, ગીતા શાસ્ત્ર ખરે,

પૂર્ણ પણે સેવાય તો, સહેજે અર્થ સરે

જેથી ફરી જન્મે મરે, તે સેવા નહિ પણ સહકાર,

જેથી કદી ન ઉદભવે, એજ પરમ ઉપકાર

એજ પરમ ઉપકાર છે, એજ પરમ સેવા,

ગુરુ આદેશ પળાય તો, નિશ્ચય થાય એવા

આશ્રયે આવેલને, પ્રેમે આપો અન્ન,

ભજી નિશદિન પરમાત્મને, કરો ગુરુને પ્રસન્ન

સેવી સાધુ સંતને, સમજવો તત્ત્વાર્થ,

ગુરુકૃપાને પાત્ર થઇ, સાચવવો પરમાર્થ.

શ્રી જગજીવન બાપુ જ્ઞાનમંદિર - સીમર, તાલુકો ઉના આ સંસ્થાનું નામ જ સૂચવે છે કે આ જ્ઞાન મંદિર છે. જ્ઞાનને જીવનમાં ખુબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્ઞાનથી બધા અનર્થોની નિવૃતિ થાય અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. એ સત્સંગનું મુખ્ય ધ્યેય છે.

જ્ઞાન મંદિર નામ જ સૂચવે છે કે જ્ઞાન મેળવવું,જ્ઞાન આપવું. જ્ઞાન મંદિર નો ઉદેશ છે જ્ઞાન પ્રાપ્તિ. ગુરુ વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના મોક્ષ નહિ. સત્વગુણ દ્વારા ગુરૂ કૃપાથી જ્ઞાન ઉત્ત્તપન્ન થાય છે. અને જ્ઞાન મળે તો બધાં જ અનર્થોની નિવૃતિ થાય છે. સંસારની નાશવંત વસ્તુઓનો મોહ ઓછો થાય. પ્રભુ ભક્તિમાં હ્ય્દય તરબોળ થાય. વાદળથી ઢંકાયેલ સૂર્ય, ધૂમાડાથી ઢંકાયેલ અગ્નિ અને ઓરથી ઢંકાયેલ ગર્ભ જેમ ખુલ્લા થાય છે તેમ જ જ્ઞાન થી અજ્ઞાન ખુલ્લું પડે છે. આ જ્ઞાન ગુરૂ વિના મળતું નથી. સત્ત્વગુણ, પવિત્ર વૈદિક આચાર વિચાર દ્વારા જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ ગુરૂ આપણને આપી શકે છે. ભગીરથે જેમ ગંગા મેળવી એમ જ્ઞાનથી આપણને મોક્ષ સુધી ગુરૂ જ લઇ જઇ શકે.

જીવનનો હેતુ મોક્ષ તરફ જવાનો છે. વારંવાર જન્મમાંથી છૂટવાનો છે. હિન્દુ ધર્મનાં વેદ વેદાંત અને ભાગવદ્ ગીતા પુર્ન જન્મમાં માને છે. પુર્ન જન્મમાં પણ માનવીના આ જન્મના કર્મોનો સિધ્ધાંત લાગુ પડે છે. મૃત્યુ પછી શું જન્મ પામો તે આ જન્મના કર્મો પર આધાર રાખે છે. સારા કર્મો માટે સારો જન્મ. જુદા જુદા મતભેદોને કારણે જે જુદી જુદી સંમ્પ્રદાયની વાડ ઉભી થાય છે તે એક પ્રકારનું અજ્ઞાન જ છે. એ અજ્ઞાન દૂર થાય તો સમજાય કે દરેક જીવ શિવમાંથી આવે છે અને મૃત્યુ પછી શિવમાં ભેગા થઇ જાય છે. જુદા જુદા ધર્મો જુદા જુદા ભગવાન અંતે તો એક જ ધ્યેય ધરાવે છે અને તે મોક્ષ છે. આ મોક્ષ મેળવવા માટે જે ચૈતન્યની જરૂર છે જે જ્ઞાનની જરૂર છે તે સારા ગુરૂ આપી શકે. મન, વચન અને કર્મથી વેદાન્ત અને ગીતાનો ગહન અભ્યાસ કરવાથી આ બધું સમજાય છે કે શરીર નાશવંત છે. વસ્તુઓનો મોહ કરવો એ એક માયા જ છે. પ્રભુ ભક્તિથી વેદાંત અને ગીતાના અભ્યાસથી સારા ગુરૂનાં ચીંધેલે માર્ગે જવાથી આ બધું સમજાય છે. વૈદિક પરંપરા દ્વારા ધાર્મિક કાર્યકમો અને ઇશ્વર ભક્તિમાં તરબોળ રહીને મોક્ષ મેળવી શકાય છે. જીવ અને શીવ એક જ છે. દરેકનાં આત્મા એક જ શીવમાંથી આવ્યાં છે અથવા જે ભગવાનમાં તમને શ્રધ્ધા હોય તેમાંથી જ આવ્યા છે. મૃત્યુ પછી ત્યાં જ ભેગા થઇ જવાનાં છે તો આ બધાં મતભેદ અને જુદી જુદી વાડનો કોઇ મતલબ નથી. એ જ તો અજ્ઞાન છે.તત્ત્વજ્ઞાની પુરૂષો, યોગીઓ, તપસ્વીઓ, ઋષિમુનઓ - વિદ્વાનો આપણને આ જ સમજાવી રહ્યા છે કે મોહ, માયા, કામ, કોધનો ત્યાગ કરો, એ બધાં અનર્થોમાં નિવૃત્તિ મેળવો તો પરમાનંદની પ્રાપ્તિ થશે. સત્સંગ મનુષ્ય જીવનનો પ્રાણ છે. જીવન મળ્યુ છે પ્રભુ મેળવવા. આ અમુલ્ય અને અદ્વિતિય સંસ્કૃત્તિના મૂળ વેદોમાં કહેલા છે. વેદો સર્વ શક્તિમાન, સર્વજ્ઞ, સર્વ વ્યાપક પરમાત્માએ બનાવ્યા છે. પરમાત્માએ બનાવ્યા છે માટે અવિનાશી છે અને આ સનાતન જ્યોત હંમેશા ઝળહળતી રહેશે.

પૂજ્ય બાપુએ પોતાનું સમગ્ર જીવન ગીતા જ્ઞાનના આધારે પુરું કર્યુ. શ્રી કૃષ્ણ પ્રભુની જ્ઞાનવાણી ગીતામાં છે. પૂજ્ય બાપુએ આપણને ભક્તિયોગ, જ્ઞાનનાં યથાર્થ તત્ત્વોને સમજાવતા હંમેશા ગીતાનું પ્રમાણ ધરતા... ''ગીતામાં ભગવાને શું કહ્યું છે એ સમજો... મારૂં તમારૂં કાંઇ નહિ ભગવાન કહે તે સાચું  અત્યારે જે કળિયુગરૂપી રાત્રિ ચાલી રહી છે એમાં આત્માને જ્ઞાન દ્વારા જાગૃત કરવો એજ સાચું છે. આધ્યાત્મિક જાગરણ કે જ્ઞાન દ્વારા જીવનમુક્તિ મળી શકે, મોક્ષ મળી શકે. પરમાત્મા સાથે આત્મિક સબંધ જોડી, આપણે જીવનમુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. જુદા જુદાં સંપ્રદાય, જુદા જુદાં મતભેદો હોવા છતાં બધાં જ જાણે છે પરમાત્મા એક જ છે. નામ જુદા હોઇ શકે પણ ભગવાન તો એક જ છે.ધર્મ જુદા હોઇ શકે પણ બધાં ના ધ્યેય એક જ છે અને તે છે મોક્ષ.

અત્યારના આ કળિયુગમાં જ્યારે ઘોર અજ્ઞાનતા છવાયેલી છે. તમોપ્રધાનતા છવાયેલી છે. કામ, કોધ, વિકારોને વશીભૂત માણસ દુ:ખી અને અશાંત છે. સૃષ્ટિ પર પાખંડ એ અધર્મનું રૂપ લઇ લે છે. ભ્રષ્ટાચારની બોલબાલા છે. આ સમયે આપણને આ અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર કરવા આપણે જ્ઞાનમંદિરના ઉદેશ તરીકે બાપુએ જે ભજન આપેલ છે તેને પૂર્ણપણે પાળવું જોઇએ. એમના ચીંધેલા માર્ગે જશું તો આ વિકારી, અપવિત્ર દુનિયાને નિર્વકારી અને પાવન બનાવી શકીશું. દુ:ખધામમાંથી સુખધામ અને કળિયુગમાંથી સતયુગ બનાવી શકીશું.

ભગવાનનું નામ વ્યક્તિની અંદર અને બહાર બન્ને જગ્યાએ દિવ્ય પ્રકાશ પાથરે છે. એનાથી અંત:કરણ ઉજ્જવળ થાય છે. જગતનો બાહ્ય વ્યવહાર ઉજાગર થાય છે. સંત તુલસીદાસજીએ ભગવાનના નામને જ્ઞાન રૂપી દીવો કહ્યો છે. જ્ઞાનરૂપી દીવો અખંડ ચાલી શકે છે કારણ કે જ્ઞાનનો પ્રકાશ હંમેશા રહે છે. પવનનાં ઝપાટાથી કે ઘી પૂરૂ થઇ જતાં બંધ નથી થતો. રામે તો એક તપસ્વી સ્ત્રી (અહલ્યા) નો ઉધ્ધાર કર્યો પણ રામનામે તો કરોડો લોકોનો ઉધ્ધાર કર્યો. કરોડોને બુધ્ધિ આપી શકે છે રામનામ. આમ ભગવાનું નામ અમોઘ શક્તિ છે. જેમ અણુનો વિસ્ફોટ થતાં પ્રચંડ શક્તિ પેદા થાય છે તેમ ભગવાન્નામ ધ્વનિનો સ્ફોટ થતાં અમોઘ બળ પ્રગટ થાય છે.

જગને છોડીને જે જગદીશને પકડેતે ત્યાગી, ઉત્તરોત્તર ઉન્નતિ સાધતો જાય તે ત્યાગી. ભગવાનને પામનાર બધાજ સંશયો દૂર થઇ જાય. પરમ તત્ત્વને પામનારની હ્ય્દયગ્રંથી ભેદાઇ જાય છે. તેના સર્વ સંશયો દૂર થાય છે. તેના કર્મો ક્ષીણ થાય છે.

સાચુ જાણનારા બધાં સાત્વિક નથી હોતા. કથની અને કરુણી એકરૂપ થવી જોઇએ. કેવળ પોથી પાંડિત્યથી પરમતા પ્રાપ્ત થતી નથી. સારા કર્મોની આસક્તિ નહીં. તેમજ નિમ્મ કર્મોનો દ્વેષ નહીં. ગોરા કુંભાર, સેના નાયી, રૈદાસ ચમાર પ્રાપ્ત કર્મોને નિષ્ઠાથી કરતાં કરતાં પરપણાં ને પામ્યાં. જીવને શિવ સાથેનો નાતો એકજ છે.

શાસ્ત્રો જણાવે છે કે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ બધાં એક જ સ્વરૂપ છે. કલ્યાણને પામવાનું ઉત્ત્તમ શિખર શિવ કહેવાય છે. શિવ ત્રિલોચન છે. કામનું તેમણે દમન કર્યુ છે.બધીજ વાસનાઓ, આસક્તિઓ, અભિલાષાઓ અને કામનાઓના નાશ થયા પછી જ સાક્ષાત્કાર અને પૂર્ણ યોગ કે સિધ્ધ યૌગિક દશા શક્ય બને છે. સારા ગુરૂ દ્વારા જે જ્ઞાન મળે છે તેનાથી અજ્ઞાન દૂર થાય જુદા જુદા વિભન્ન મતભેદો, જુદા જુદા વાડા દૂર થાય અને જ્ઞાન થાય કે મોહ, માયા, કામ, ક્રોધ નકામા છે. સારા કર્મો જ કામનાં છે. મોક્ષ સારા કર્મો જ અપાવી શકે. બાકી બધાં ક્ષણિક આનંદ આપે પણ પછી દુ:ખ જ દુ:ખ આપે. ફરીને ફરી જન્મ લેવો પડે. એમાંથી બહાર આવતા દમ નીકળી જાય. મોક્ષ પ્રાપ્તિ તો દૂરની વાત થઇ જાય ૮૪ લાખ જન્મ લેવા પડે પછી જ મનુષ્ય અવતાર મળે. અણુએ અણુમાં રહેલું વ્યાપક ચૈતન્ય એટલે શિવ. સત, રજ, તમ થી પર થવું જરૂરી છે. શિવને રૂદ્ર પણ કહ્યાં છે. રૂદ્ર એટલે દુ:ખોને દુર કરે તે. શિવ તત્ત્વ દુ:ખોનો નાશ કરે છે. શિવ સમસ્ત પ્રાણીઓનું માનવનું વિશ્રામ સ્થાન છે. આ પરમ તત્ત્વને સમજવામાં ગીતાજીનો ૧૩ મો અધ્યાય અત્યંત ઉપયોગી છે.જીવ માત્ર શિવમાંથી છૂટા પડેલો છે છતાં પ્રત્યેક જીવ શિવનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા અસમર્થ છે.માત્ર માનવી જ શક્તિમાન છે.આપણાં આંતિરક ચૈતન્યને જગાડવાનું પરમતત્ત્વ શિવની પુજા કરી શિવમાં એકાકાર થવાનું છે.નરિસંહ મહેતા, મીરાબાઇ કે કબીર જેવા બની પ્રભુનાં ભજન ગાઇ પ્રભુમાં એકાકાર થવું જરૂરી છે. મોહ નિવૃતિ બાદ જ જીવ શિવને પ્રાપ્ત કરી શકે. સારા ગુરૂ વેદ વેદાંત અને ગીતાનો અભ્યાસ કરાવે.મોહ માયા દૂર કરાવે મતભેદો દૂર કરાવે. અજ્ઞાન દૂર કરાવે. આંતિરક કલ્યાણ કરાવે. જે આશ્રયે આવે તેને પ્રેમ આપો, અન્ન આપો, આશરો આપો. નિશ દિન પરમાત્માને યાદ કરી ભજન કરો, ભક્તિ કરો, સાધુ સંતોની સેવા કરો તો ગુરૂ પ્રસન્ન થાય અને ગુરૂ પ્રસન્ન થાય તો અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવામાં મદદ કરે અને એ જો દૂર થાય તો મતભેદો અને જુદા વાડાઓ દૂર થાય. સમજણ આવે કે એ બધાનો અર્થ નથી. બધું જ એક જ છે. ભગવાન એક જ છે. આવા કર્મો કરવાથી ગુરૂ પ્રસન્ન થાય તો ગુરૂકૃપા ને આપ પાત્ર બનો. સારાં કર્મો કરો ભગવાનને ભજીને ભગવાનમાં શિવમા એકાકાર થાવ તો ફરી જન્મ લેવો ન પડે. જીવ શિવ એક થઇ જાય.

માનવી સહજપીંડ સ્વરૂપે કર્મને ગતી દેવા પૃથ્વી પર આગલા જન્મનાં કર્મોને આધારે જન્મ લે છે. જન્મ આપનાર શિવ છે. મૃત્યુ પછી પાછો જીવ કે આત્મા શિવમાં મળે છે. શિવ કર્મને અનુસાર આત્માને ગતિ આપે છે. જીવનને ગતિ ઇશ્વર આપે, શરીર પંચતત્ત્વનું બનેલું છે. વાયુ, જલ, આકાશ, તેજ અને પૃથ્વી અને તેનું સર્જન કરનાર શિવ છે. કોઇપણ ભેદ વગર દરેકને આ પંચતત્ત્વ દ્વારા જીવ ટકાવવા મળેછે. મનુષ્ય ત્યાર પછી પોતાના કર્મો પ્રમાણે પોતાની ગતિ નક્કી કરે છે. અતિ સારા કર્મો કર્યા હોય તો ફરી જન્મ ન લેવો પડે અને મોક્ષ મળે. મનુષ્ય પોતાનાં જીવનમાં શુભ દ્રષ્ટિ રાખે મન, બુધ્ધિ, માયા, અહંકાર અને અગિયાર રૂદ્રો જે આગલા જનમનાં કારણ છે તેને સારી રીતે નક્કી કરે તો શિવમાં મળી શકે. અગિયાર રૂદ્રો કપાલી, લોહીતા, પીંગલ, ભીમ, વીરપક્ષ, વીલોહીત, અજપાલ, શંભુ, અહિબુદત, ચુડ અને ભવ છે. દરેકે કાર્ય તો કરવાનાં જ છે. પણ આ કાર્યો શિવ તમારા મનમાં વિચાર સ્ફુરી કરાવે અને સાક્ષી ભાવે માનવી કરે તો શિવને પામી શકે, મોક્ષને પામી શકે. ફરી ફરીને જન્મના ચકરાવામાં થી નીકળી શકે. માટે જ કહ્યું છે કે.......

ગુરુ વિના જ્ઞાન નહીં  અને જ્ઞાન વિના મોક્ષ નહીં ............

અનેક ઉપાધિરૂપ ખોટા કર્મોથી હ્ય્દયમાં અનંત આઘાતો સહન કરીને વ્યાકુળતા વધારી તેથી ઘોર અંધકારનું વાતાવરણ દિન પ્રિતિદન વૃધ્ધિ પામ્યા જ કર્યુ તે અજ્ઞાનરૂપી અંધારૂ હટાવવા માટે ઘણાં દીવડા પ્રગટાવવામાં આવે તો પણ સત્ય જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ વિના અજ્ઞાનરૂપી અંધકારને હટાવવા અનંત જન્મો લો તો પણ કયારે થાય.સદગુરુના વચન પ્રમાણે યથાર્થ પાલન થાય ત્યારે જ ભક્તિ, યોગ, તપ વગેરે સિધ્ધ થાય. તેમાં પણ ભક્તિ, યોગ, તપ અહંકારથી રહિત થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. મોક્ષ મળે. ફરી જન્મ ન લેવો પડે. પરમાત્મા તો પૂર્ણ છે પણ તેનો વિયોગ કરાવનાર આપણો અહંકાર છે. આ અહંકારને દેહની સાથે આસક્તિ છે તેથી એ આસક્તિ છૂટે તો દેહની મુક્તિ થાય. આ જ્ઞાન ગુરૂ કરાવી શકે. એ જ્ઞાન મળે તો અને મળ્યા પછી આચરણમાં મુકીએ તો જ મુક્તિ થાય, મોક્ષ મળે અને ફરી ન લેવો પડે આ જન્મ.

જ્ઞાન કેટલું વધું મહત્વનું છે તે આપણને વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ દ્વારા મળે છે. બંને પરમ તપસ્વી, પરમ જ્ઞાની ખુબજ મોટા સંત હતા. પરંતુ વશિષ્ઠ બ્રહ્મર્ષિ કહેવાયા અને વિશ્વામિત્ર રાજર્ષિ. એમને મનમાં મને કોઇ બ્રહ્મર્ષિ નથી કહેતું તેથી તેમણે તપ કરી શંકર ભગવાનને પૂછયું. શંકર ભગવાને તેમને શેષનાગ પાસે જવા કહ્યું. શેષનાગે વાત સાંભળી કહ્યું કે આ મારા માથા પર પૃથ્વીનો ભાર છે તે સહેજ તમે પકડો તો હું વિચારી ને કહું. વિશ્વામિત્રએ ખુબ મહેનત કરી પણ પૃથ્વી ન ઉચકી શક્યાં. તેથી શેષનાગે કહ્યું કે વશિષ્ઠને બોલાવો તે મદદ કરશે. વશિષ્ઠ મુનિએ આવીને વાત સાંભળી અને પછી પોતાના વાળમાંથી એક વાળ કાઢી શેષનાગને આપ્યો અને પૃથ્વી પોતે ઉંચકી લીધી. શેષનાગે કહ્યું કે વશિષ્ઠે પોતાને મળેલા જ્ઞાનમાંથી ફક્ત ૧ વાળ જેટલું જ્ઞાન એક બાજું મુક્યું અને એની સાથે આખી પૃથ્વીનો ભાર પોતે લઇ શક્યાં. કહેવાનો સાર એ કે જ્ઞાન કેટલું બધું મહત્વનું છે કે ફક્ત ૧ વાળ જેટલું જ્ઞાન આખી પૃથ્વી ઉંચકી શકાય એટલું બળ આપી શકે. પણ એ જ્ઞાન અહંકાર મુક્ત હોવું જરૂરી છે. વિશ્વામિત્ર જ્ઞાની ખરાં પણ અહંકાર અને આસક્તિને લીધે પૃથ્વીને હલાવી પણ ન શક્યાં જ્યારે વશિષ્ઠે સહેજ વારમાં કરી બતાવ્યું. જ્ઞાન મોક્ષ માટે એટલું મહત્વનું છે માટે જ બાપુએ સંસ્થાને જ્ઞાનમંદિર નામ આપ્યું છે. જ્ઞાન વન, જ્ઞાન શાળા, જ્યોર્તિધામ, ભજનામૃત, પ્રકાશન વેદાંત પુસ્તકાલય, સ્મૃત્તિ ધ્યાન કેન્દ્ર, જ્ઞાન ઘાટ, ગિરનારની પ્રતિક્રૃતિ જ્ઞાન કેન્દ્ર આ બધાં નામો અને કેન્દ્રો જ્ઞાન વિશે જ વાત કરે છે. અહંકાર અને આસક્તિ વિનાનું જ્ઞાન. જ્ઞાનથી આ અહંકાર અને આસક્તિ મૂળથી છૂટે તો જ દેહ જીવપણાથી થતી ક્રિયા જે અનંત ભેદ પાડીને એકતા સિધ્ધ થવામાં વિઘ્નરૂપ બને છે તે સમજાય. જે યથાર્થ સમજે તે અડગ શ્રધ્ધા, સંયમ અને બ્રહ્મગુરૂ નિષ્ઠાથી સત્યને પામે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તેમાં અખંડ આનંદવાળી સાચી શાંત્તિ મળી શકે છે.અમર આત્મ જ્યોત્તિ રૂપ જ્ઞાનનો દીવો જ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, અનંત દેવો અને માનવ, પશુ, પક્ષી, જલચર વગેરે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાનમાં પણ પ્રકાશ આપે છે. છતાં તેની જ્યોત્તિ ઝાંખી નહીં પડે. એ જ્ઞાન જ્યોત્તિને માપવા માટે કોઇ સમર્થ નથી. તે જ્યોતમાં સદાકાળ સર્વજ્ઞ પણું, સર્વ શક્તિમાનપણું અને સર્વગુણ સંપન્નપણું રહેલું છે. સદા હ્ય્દયની વિશાળતા હ્ય્દયની શુધ્ધિ એ પૂર્ણ પરમાત્માની કૃપામાં રહેલી છે. એ પૂર્ણ પરમાત્માના શરણે જ હંમેશા રહેવું જોઇએ. તમે તે પૂર્ણ પરમાત્માને શરણે સર્વ ભાવોથી રહો, સચ્ચાઇ પૂર્વક રહો, સારા કામ કરીને રહો, સંતો ને આદર આપી રહો, જેને આશરો આપ્યો હોય તેને સારી રીતે રાખો, ભોજન આપો તો એજ પરમાત્મા સર્વદા તમારા જ્ઞાન ધ્યાનમાં સાથે રહેશે. તમારો અહંકાર પરમાત્મામાં વિલિન થઇ જાય. સર્વત્ર પરમાત્માના જ દર્શન થાય. દેહાધ્યાસ જરા પણ ન રહે. ગીતા અને વેદાંતમાં લખેલા અર્થોનું ગૂઢ તત્ત્વ સંપૂર્ણપણે સમજાય અને પાલન થાય તો મુક્તિ મોક્ષ મળે. ફરી ફરી જન્મ ન લેવો પડે. માયાનો પ્રપંચ અમને આપના મારગમાં ચલિત જ કરી શકે. આ છે અખંડ જ્ઞાન નો મહિમા......