ગુરુ વંદના

ગુરુ દેવ અનાદિ સનાતન છો,               અખંડાનંદ જ્યોત પ્રકાશક છો,
વ્યાપક સર્વજ્ઞ ભાવભર્યા,                     શરણાગત જીવન સફ્ળ કર્યા.
શુધ્ધ હ્દય - ગર્વ જરાય નહિ,              પ્રાણ વિજય શ્રેષ્ઠ જ આપમહીં
શમ-દમ-સયંમ પાક્કી કળા,                 વેદ શાસ્ત્રની સમજ અતી સફળા.
શાર તત્વ વાણીથી પર રહે,                  દિવ્ય દ્ર્ષ્ટીનું અમૃત આખમાં વહે,
મોહ શોક ને વાસના નષ્ટ કરે,               પ્રભુ દર્શન સાનથી સિધ્ધ કરે.
જ્ઞાન ખજાનો પ્રેમથી ઠાંસી ભરે,              પ્રેમની ભરતી રંગ પાક્કો ઠરે,
ગુરુદેવનું રટણ સદાય કરો,                   ગુરુ કૃપાથી સંસાર જલદી તરો.
અકળ ગતિ સૌથી મહાન રહી,               વિતરાગ, કામના ત્યાગ સહી,
જ્ઞાન અગ્નિથી કર્મો ભસ્મ કર્યા,              ભૂમિ ઉધ્ધાર કાર્ય સદા વિચર્યા.
સહી કષ્ટો અનંત શાંતી ધરી,                 અજ્ઞાન આંધીને દૂર કીધી,
આત્મજ્ઞાન વિના બુધ્ધિ ભટકે,                સત્ય સ્થાન ગુરુ દેવમાં અટકે,
જાગૃતિ, સત્ય નિશ્ચય, ક્ષણ ન ભૂલે,          સ્વરૂપ ચૂકી-ખોટામાં નહિ ફલે.
ભીતર સાચી પ્રેરણા અચળ મળે,              વાણી વર્તન - જીવન સુગંધ ભળે,
શાસ્ત્રવાદ વિવાદને બાદ કરી,                  નાદ અનહદ સુણતા વૃત્તિ ઠરી.
સુરતા સુષુમણા અનુભવ કરે,                  પ્રાણ ઊંચે ચડી મહાભાવ ભરે,
અસ્મિતા ત્યાગી ઐક્ય રહે,                      સઘળા ફંદ દ્વંદથી મુક્ત રહે.
ગુરુદેવ ગુરુદેવ - તુંહી-તુંહી,                     પરબ્રહ્મ કેવળ જ્ઞાન અખૂટ નિધિ,
સમર્પણ સઘળું એક જ તુંહી,                   તારી કળામાં સમજ, સાચી સિધ્ધિ.


ગુરુ વંદના

ગુરુજીના ચરણમાંહી,         અમારા કોટી વંદન હો,
પ્રભુજીના ચરણમાંહી,        અમારા કોટી વંદન હો,
સહુને જ્ઞાનઅમૃત પાયા,    પ્રભુના ગુણ ને ગાયા,
સર્વને પ્રેમઅમૃત પાયા,     અમારા કોટી વંદન હો.
રહ્યાં વિરલ સેવા ભાવે,      અંતરમાં ગર્વ નહી આવે,
અનોખો રાહ અપનાવ્યો,     અમારા કોટી વંદન હો.
અંતરની વાત જાણીને,       વિપત તુરત નિવારીને,
સહુને સહાયતા આપી,        અમારા કોટી વંદન હો.
આવે નહી પાર કરૂણાનો,     સુહ્દ સન્મુખ રહેનારો,
સદાયે શરણમાં રાખો,         અમારા કોટી વંદન હો.
નિસ્પૃહ નિર્લેપ ભાવેથી,       જીવન ઉત્તમ દીપાવ્યું,
વસ્યા સહુમાં રહી અળગા,    અમારા કોટી વંદન હો.
સહુ સંકલ્પો નિવાર્યા,         અહંતા - મમતા ગાળ્યા,
પરમ ચૈતન્યે વિરામ્યા,       અમારા કોટી વંદન હો.
તુચ્છ જે દેહભાવ તણા,      વિચારોને સદાય હણ્યા,
જીવનમુક્ત ગુણાતીતને,     અમારા કોટી વંદન હો.
બધાં કામોના કરનારા,       છતાં છુપાઇને રહેતા,
અહો એ દિવ્ય શક્તિને,      અમારા કોટી વંદન હો.
કર્તાનો ભાવ મુકીને,         સહાય પુરે પુરી કરીને,
ઉત્તમ એ સાક્ષી ભાવીને,     અમારા કોટી વંદન હો.
ભેદ ભ્રમ મોહ નહીં વ્યાપ્યા, સદા સમતા મહીં જ રહ્યા,
ગીતાના શ્રેષ્ઠ યોગીને,         અમારા કોટી વંદન હો.
ન સમજાયું પ્રભુ પોતે,        માનવ રૂપે પધાર્યાતાં,
અમારા મોહને કાપો,          અમારા કોટી વંદન હો.
શ્રધ્ધા છે આપમાં જ પુરી,   રહે કોઇ વાત ન અધૂરી,
માનીએ આપને વ્યાપક,     અમારા કોટી વંદન હો.
પ્રેરણા આપની જ માની,     થવું સાર્થક બહુનામી,
ગુરુ કૃપાથી ઉગારો,           અમારા કોટી વંદન હો.