સૌરાષ્ટ્ર પંથકનાં એક અંતરિયાળ ગામડાની આ ઘટના છે, જ્યાં એક ઉમદા જીવનો ઉદભવ્ થયો. તેણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન જે ચેતના પ્રગટ કરી, તેને આપણે પ્રભુની લીલા જ કહીએ.

ગામનું નામ સીમર. અત્યંત નાનું, કશી જાહોજલાલી વીનાનું તેમાં જન્મીને પોતાના સમગ્ર સ્વત્વથી તેમજ ભૌતિક જીવનથી ઉપર ઉઠીને તેમણે આત્મવિકાસ ના માર્ગે જવા ભગીરથ પ્રયાસ કર્યો. પોતાની આસપાસની જનતાને એ વાતાવરણમાંથી બહાર કાઢી,કંઇક શ્રેયને માર્ગે દોરી આસપાસના ગામડાઓમાં પણ પ્રભુ ભક્તિનો પ્રભાવ પ્રસરાવ્યો.એ મર્યાદિત વિસ્તારમાંથી બહાર નીકળી જઇને વ્યાપક જગતને પણ શ્રેયને માર્ગે મુકવા પ્રાણપણે પ્રયત્ન કર્યો. તે કોણ ? પરમ પૂજ્ય શ્રી જગજીવન બાપુ.

સૌરાષ્ટ્ર ઉપરાંત તે પછી તો ઘણાં વ્યાપક સ્થળોમાં તેમની લીલાનો લોકોને અનુભવ થયો. તેમનાં સંપર્ક માં આવેલા અનેકાનેક માનવીઓને તેમણે જે સ્નેહભાવે આધ્યાત્મિકતાનું દર્શન ચીંધ્યું એ માનવીઓ આજે પણ ભાવપણે તેમને સંભાર્યા વિના કેમ રહે ?


આ સંત તો ગંભીરતમ રહસ્યોની માવજત પોતાની ભીતર કરતા રહ્યાં. આનંદ રમુજની ક્ષણોમાં પણ હળવાફૂલ. આ જીવંતતા એ જ ભાવિકોનું આકર્ષણ લાગી રહ્યું. એમની નિ:સ્પૃહતા, સર્વજનહિતકારી વર્તન, પ્રેમકરૂણાની બુધ્ધિ હંમેશા લોકોને આકર્ષતી રહી.

બાપુનો વ્યવસાય કહો કે સમાજ સેવા કહો પણ નિર્ભેળ વૈદું બીલ્કુલ પૈસા લીધા વગર તેઓ નિદાન અને ચિકિત્સા કરતા અને રાત દિવસ ખરલમાં દવા બનાની લોકોને આપતા રહેતા.

બાપુનાં અસંખ્ય વૈદકિય પ્રયોગો અને ઠેર ઠેરથી તેમણે ઉપાડેલી ઓસડિયાં માટેની વનસ્પતિ શું સૂચવે છે ?

  1. વનસ્પતિમાં રહેલી સંજીવની શક્તિ એ ઇશ્વરની અનેરી દેન છે.
  2. તેને ઉકેલવાની આ મહાન સંત પાસે આંતિરક સુઝ કહો કે વૈદકિય સચેતતા છે.

આધાર તો આધ્યાત્મિક સાધના અને ચેતના નો છે. કોઇક રહસ્ય શોધક પ્રતિભાનું યોગબળ તેમને વૈદક વિદ્યામાં ખુબ જ આગળ લઇ જતું. આ પ્રચંડ સર્જનાત્મક શક્તિ એમણે જનકલ્યાર્થે જ વાપરી.

વૈદકની બાપુની સૂઝ વિવધ પ્રકારની હતી.ઘણી સમૃધ્ધ હતી.એમણે વૈદકીય જ્ઞાન મેળવ્યું નહોતું,તો આવુ જ્ઞાન એમને મળ્યું ક્યાંથી ?અલૌક્કિક આંતરસૂઝ વિવિધ સંતોનો સમાગમથી વિદ્યાની થતી આપલેથી સિધ્ધપુરુષ અને સંત માટે કંઇ અશક્ય નહોતું.

કોઇક એવી વ્યાપક વેધક ચેતના જે પોતાનાથી આગળ જઇને જળ સ્થળ અને જીવમાત્રની ચેતના સાથે તદાકારતા સાધે છે. તે અંગેનું સુક્ષ્મવેદી સંવેદન અનુભવે છે. તેમાં શ્રેય અને કલ્યાણની કામના સેવે છે. પ્રવૃતિમાં તલ્લીન રહેછે.

  1. લોકકલ્યાણનો આશય નિર્મમ નિસ્પૃહવૃતિ જગતનાં લાભાલાભ વિશેની ઉપેક્ષા,નિષ્કામ કર્મયોગ જાણે કોઇ પ્રભુનો ઓલિયો કે પછી પ્રભુ પોતે જ.પોતાને મળેલું આ વૈદીક દૈવી જ્ઞાન પોતાની આસપાસના જગતને સમર્પિત કરવા માટે હોય તેમ વેરી દે છે.

બાપુની લગભગ સાત દાયકાની આ એકાગ્ર કલ્યાણ પ્રવૃતિઓના ઘણાં બનાવો છે.જેમાં તેમનાં વ્યક્તિત્ત્વનો તેજોમય અંશ જનસમાજ માં દિન-રાત પ્રસરેલો હતો. સમાજનાં નાના-મોટા માનવીઓનાં દુ:ખ ફેડવાનો તેમનો નિ:સ્પૃહ, નિસ્કામ, કર્મયોગ અનન્યભાવે પ્રગટ થયો હતો. બાપુએ આજીવન બ્રહ્મચારીનું જીવન ગાળ્યું હતું.

બાપુ છે અલગારી જીવ, અકિંચન વ્રતધારી. કોઇ સમાજીક પદ, પદવી કે પ્રતિષ્ઠા અને પૈસાથી વેગળા રહ્યા. તેમની આકર્ષક આંતર ચેતનાને કારણે પ્રતિભાવંત વ્યક્તિત્વ ધરાવતા હતા અને એટલે જ કુદરતનો આ પ્રસાદ પામવા લોકો એમનાંથી આકર્ષાતા હતાં.

બાપુ દરદીની સેવા કરતાં, શા માટે ? માત્ર અનુકંપા અને કરૂણાથી જીવ માત્રને બચાવવા. કુદરતપ્રેર્યા આંતરનાદને પ્રાધાન્ય આપી સેવાની ભેખ એમણે લગાવી હતી.સેવાની ધૂણી ધખાવી હતી. કલાકો અને મિનટોની એમાં ગણતરી જ નહોતી. બાપુતો આજે અહીં કાલે બીજે અને ત્રીજે દિવસે ક્યાંક દૂર ઉપડી ગયા હોય. જ્યાંથી ભક્ત અને દરદી એમને સાચા દિલથી પુકારે ત્યાં સાક્ષાત સ્વરૂપે કે પરોક્ષપણે પહોંચી જતા. બાપુ ક્યારેક સૂક્ષ્મ દેહે, ક્યારેક ભૌતિક દેહે પણ દર્શન આપતા. આ એમની વિરલ સિધ્ધી હતી.

આ સૂક્ષ્મ સ્વરૂપ બે પ્રકારનું છે. :

  1. સામી વ્યક્તિની આધ્યાત્મિક ચેતનામાં જાગતું અથવા
  2. કોઇ અન્ય વ્યક્તિરૂપે હાજરીમાં વરતાતું.

આ ઉપરાંત ઘણીવાર પોતાની અમોઘ શક્તિથી સ્વસ્થાને રહ્યે રહ્યે જ દરદીઓના રોગ આકર્ષીને બાપુએ તેમની પીડા હળવી કરી હતી.

બાપુના જીવનમાં જે કિસ્સાઓ બનેલા તે જાણવાથી તે યુગના હિન્દુ સમાજનું એક સારૂ ચિત્ર ઉપર આવેછે. લગભગ મધ્યકાલીન યુગનું જ્યારે વ્યક્તિ, વ્યક્તિમાં પોતાપણાનો સંબંધ હતો.પરસ્પર મદદ કરવાની ભાવના હતી. એક બીજા માટે ઘસાવાની ઇચ્છા હતી.ગરીબી હોવા છતાં લોકો ગામડે ગામડે એક બીજાને મદદ કરતા, એકબીજા ને કામમાં આવતા. આ પ્રકારનું સમાજ જીવન ટકી રહેવાનું એક કારણ બાપુ જેવા સહજભાવે જીવનારા ઓલિયા સંતો હતા. બાપુના સંબંધમાં બે પ્રકારનાં જીવો આવતા.

  1. દરદી ભગવાન જે પછી થી એમના ચાહક બની જતા
  2. તેમના પોતાના ભક્તો.

આ સંબંધો માં બધાજ પ્રકારના માનવીઓ હતા. બ્રાહ્મણ, વાણિયા, ભીલ, રબારી,આહિર, હરિજન, કોળી, કણબી, દરબાર, હિન્દુ, મુસલમાન,પારસી,ઈસાઈ. બાપુને મન બધાજ એમના દરદી, ભગવાન અથવા તો ભક્તજનો. બધા પ્રત્યે બાપુની એક સરખી કરૂણાસભર મૈત્રી..

બાપુ પ્રચંડ શરીરબળ ધરાવતા સમુદાયમાં સર્વ લોક સાથે જેમ બધા કરતા તેમ કરવા લાગતા. એવા પ્રસંગે ગજબનું ખમીર દાખવતા. રાત દિવસ નહીં જોતા, ઋતુઓની થપાટો ખાવી, વગર ખાધે પીધે દુષ્કર માર્ગ કાપવો, ભુખ તરસ, નિદ્રા કે દેહની અનિવાર્ય જરૂરિયાતો પણ વિસરી જતા. એક સિધ્ધયોગી તો હતા જ એટલે ભૂખ,ઉંઘ અને કોઇપણ શારીરિક દુ:ખ સહન કરવું એમને મન સહજ હતું. યોગથી મગજ ને સ્થિર રાખી તેઓ આ કાર્ય કરી શકતા એવું માની શકાય.

બાપુ પોતાની દિવ્ય યોગશક્તિથી સામા માણસની મુશ્કેલીઓ કે બીમારી જાણી લેતા. બાપુની ચેતના અન્યનાં ચિત્તના તાર સાથે પોતાના ચિત્તનું અનુસંધાન કરી શકતી.અત્યારની જે ટેલીપથીની શોધ છે તે યોગીઓ પોતાની રીતે તે વખતે અને આજે પણ યોગ શક્તિથી એકબીજાનાં સંપર્કમાં રહે છે, વાતો કરી શકે છે. એકબીજાનાં પ્રશ્નો હલ કરી શકે છે. પૂ.બાપુ પણ એ રીતે બીજાનાં પ્રશ્નોનાં હલ લાવી શકતા.

બાપુ હંમેશા પ્રસિધ્ધિથી દૂર રહેવામાં માનતા. બાપુ કહેતા ''મળેલા મળશુ સહુ પૂર્વજન્મની પ્રીત નવા ખાતે નહી ચડે, તેવી આગમની રીત‘‘ ગત જન્મોના સંસ્કારથી જીવો ખેંચાઇને આવશે. જીવનને સહેજ પણે વહેવા દેવું.

અહંમ અને અસ્મિતાનું જેમણે પૂર્ણપણે વિલોપન કર્યુ છે તે સંત બીજો કોઇ ખુલાસો નહીં કરતા. બાપુની સમાજસેવાની પ્રવૃતિઓ, આત્મવિકાસની ભૂમિકા, યોગ વિકાસ વિશેની તેમની સૂઝ ને કારણે એમના ત્રણ વિશિષ્ટ લક્ષણો ધ્યાનમાં આવે છે.

  1. તેમની અખંડ સ્મૃતિ
  2. આંતરજ્ઞાન શક્તિ
  3. મનુષ્ય મનને પળવારમાં પામી જવાની ઊંડી સમજ

બાપુએ માતાને આપેલા વચનનું પાલન કર્યુ. સન્યાસી ના થયા. સન્યાસીને શોભે એવું ઉજ્જવળ જીવન લોકોનો કલ્યાણ માટે વિતાવ્યું. એમની કરૂણામય દ્રષ્ટી અનિષ્ટને શમન કરી શકતી હતી. તેથી તેઓ નિ:સ્પૃહ નિર્ભય અને નિર્વ્યાજ એવું સન્યાસીનું જીવન ગાળી શક્યા. તેઓ તેમને મળેલી ચેતનાને માર્ગે સતત વહ્યાં અને ઇશ્વરના એ વરદાનને ચરિતાર્થ કર્યું. આમ એમની ઉચ્ચ અને ઉત્તમ શક્તિ અસાધારણ પ્રકારની હતી અને સતત વહેતી હતી. અસાધારણ આત્મચેતનાનાં સંવેગનું જીવન તેઓ જીવ્યા. સાથેં રહીને પણ ભૌ્તિક સ્થૂળ અને સ્વાર્થમય જીવન જીવનારા વચ્ચે રહીને પણ તેઓ પરમાર્થક જીવન જીવ્યા.

સૌરાષ્ટ્રની દેવભૂમી પર, ગરવા ગિરનારની સાખે, ઉના તાલુકાનું સીમર ગામ આજે પણ સાંસ્કૃતિક તેમજ પૌરાણીક મહત્ત્તા ધરાવે છે. પ્રાચીન કાળના એક વખતનાં સૂર્યવંશી રાજાએ જે સૂર્યકંડ બંધાવી આપેલું. તેનું દૈવત આજે સપ્રમાણ મળે છે. ભૂતલમાં પ્રાચીન મૂર્તિઓ - અવશેષો અને ભૂમાર્ગની સંગીનતા પુરાતત્વના પૌરાણીક મૂલ્યોની ઝાંખી કરાવે છે. વિશાળ સાગરનાં ઘૂઘવાટમાં મહાભાવનો પમરાટ જ્યાં બ્રહ્મનિષ્ઠ પુરુષના પ્રાગટયનું બહુમાન કરે છે એવા પવિત્ર સીમર ગામમાં પૂજ્ય શ્રી જગજીવન બાપુનો તરણ-તારણ જન્મ થતાં સહુ ભક્તો કૃત કૃત્યતા અનુભવે છે.