।। ૐ ।।

જ્ઞાની ત્રણે કાળના સદગુરૂ પૂરણ બ્રહ્મ છો રે...

જ્ઞાની ત્રણે કાળના, સદગુરૂ પૂરણ બ્રહ્મ છો રે,

અજ્ઞાન ઘોર મટાડી, જ્ઞાની કરવા સમર્થ છો રે.          ટેક

આપ સ્વરૂપમાં દ્રષ્ટિ લાગી, ભ્રમણા સર્વે દૂર જ ભાગી,

સમતા યોગ સમજાવી, સ્થિર ભાવ સ્થાપતાં રે ...               જ્ઞાની

વેદ-શાસ્ત્રનો ભેદ બતાવી, સાન કરી દેતાં સમજાવી,

અવગુણ સૌના નાશ કરીને, ગુણ દેતાં સૌમાં ભરી રે ...         જ્ઞાની

દેવી-દેવ સૌ પ્રેમે વધાવે, સત મહિમાનો નાદ ગજાવે,

શરણ આપનું ગ્રહણ કરે તે, ભવસાગર જાતાં તરી રે ...          જ્ઞાની

ગુરુકૃપાથી અમૃત મળતું, પરમાનંદથી તૃપ્ત જ કરતું,

વાણી-નેત્રને શુધ્ધ બનાવી, સમતાં દેતાં પલકમાં રે ...                    જ્ઞાની

અદભૂત જ્ઞાન-વિજ્ઞાન બતાવે, મધુર ભાવથી મધુર બનાવે,

બોલ-અબોલના શ્રેષ્ઠ ભાવથી, અખંડાનંદ વર્ષાવતા રે ...       જ્ઞાની

નીરવ શાંતિનું મૂલ્ય ન થાયે, કરોડો ખર્ચે નહિ પમાયે,

શાંતિ રાજ્યના દાતા સદગુરૂ, શાંતિ આપે પ્રેમથી રે ...         જ્ઞાની

।। ૐ ।।

એક અનાદિ સદગુરૂ સાચા

એક અનાદિ સદગુરૂ સાચા, મુક્ત બનાવવા બોધ કરે,

ચૈતન્ય સાથે વાસ ગુરુનો, પ્રકાશ સૌ જીવનમાં કરે                  ટેક ૧

ગુરુ ગુરુ રટણ જે કરતાં, ગુરુનું વચન સદા ફળતું,

દેહનો ગર્વ કરી બંધાવું, ગુરુ કૃપાથી છૂટવું બનતું .........                   ૨

ગુરુનાં વચનો હ્ય્દયમાં રાખો, શાંતિ આનંદ પ્રેમ ભરે,

અંધારાથી અળગા રાખે, પ્રાણ ગતિને ઊર્ધ્વ કરે .........                      ૩

જડ ગ્રંથીનું ભેદન કરીને, વાસના બાળી શુધ્ધ કરે,

અદ્વૈત બોધને સાચી સાને, બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન કરે .........                 ૪

ઇન્દ્રિય મનને સાચી રાહે, સદગુરૂ સયંમ દ્રઢતા કરે,

જ્ઞાન-ધ્યાન સાને સમજાવી, સદગુરૂ એની જેવો કરે .........               ૫

વેદ-શાસ્ત્રનું તત્ત્વ બતાવે, સૂક્ષ્મ બુધ્ધિને સમતા ધરે,

સત્યમાં દ્રઢતા, અચળ વ્રુત્તિઓ, ચિત્ત વ્રુત્તિનો નિરોધ કરે .....               ૬

તપ-યોગ, તેજ, શક્તિનાં દાતા, દોષ કાઢવા જ્ઞાન કાંતિ કરે,

નિર્મળ, નિર્ભય આત્મજ્ઞાનને, વાણી વર્તનમાં સિધ્ધ કરે .........            ૭

નિર્દોષ દ્ર્ષ્ટી ને તેજ અનોખું, દિવ્ય પ્રેમ વિશુધ્ધ ઠાંસી ભરે,

મહા-પ્રાણમાં પ્રાણને જોડે, દિવ્ય સુગંધી જીવન કરે ........               ૮


।। ૐ ।।

આવો સદગુરૂ જ્ઞાન દિવાકર

(સદગુરૂ ચૈતન્ય- આત્મ સ્વરૂપે ; સમષ્ટિનું ભજન)

આવો સદગુરૂ જ્ઞાન દિવાકર ત્રિવિધ તાપ હઠાવો         ....      રે

આપ અનાદિ યુગોના જૂના, આત્મજ્ઞાન વિના હ્ય્દય સૂના

વાચિક જ્ઞાનનાં ભ્રમમાં ભૂલ્યાં, સત્ય જ્ઞાન સમજાવો      ....      રે

જ્ઞાન વધ્યું પુસ્તક પોથાનું, ચંચળ વ્રુત્તિના લાખો રૂપનું

ડુબાડે એવી આસુરી વ્રુત્તિનું, ચિત્ત સ્થિર કરવા આવો     .....    રે

રાગદ્વેષ-દોષો બહુ લાવે, અંતરમાં ઊંડુ સ્થાન જમાવે

રાગદ્વેષનો નાશ જ કરીને, અંતર શુધ્ધ બનાવો                    .....     રે

પ્રજ્ઞાધારી આગમ બુધ્ધિ, પ્રેરણા સત સમજને શુધ્ધિ

વાણી વર્તનના એકજ તારમાં, જ્યોતિ આપની વસાવો .....     રે

વિશ્વ વિષાદની વૃધ્ધિ મોટી, માનિસક રોગ પીડા છે ખોટી

દીન-દુ:ખીની પીડા હરવા, ચૈતન્ય ભાવ જગાડો          .....     રે

નિરાશા ભય શોકો વધતા, મોહ ને મમતા બંધન કરતા

નિર્બળ પ્રાણમાં પ્રાણ ભરીને, ઊર્ધ્વ ગિતથી ચલાવો       ....      રે

પ્રેરક આપની-શાનની શક્તિ, નીરો શાંતિથી મંગળ કરતી

શ્રેષ્ઠ ગિતને હિત જ કરવા, અમર ભાવ દીપાવો  .....    રે


સદગુરૂ અંતરના વિશ્રામ

સતગુરુ અંતરના વિશ્રામ, તેમના ચરણે સોંપો તમામ . . .

જેમના મુખની અમૃતવાણી, તેની વેદે ગતિ ન જાણી ;

આપે અદ્વેત જ્ઞાન પ્રકાશ, એવા ગુરુની કરો સૌ આશ . ..       સતગુરુ

સંસાર સાગર એ તારક, તેમનો ઉપદેશ મોહસંહારક,

વિદ્યા, વિવેક, બુધ્ધિ આપી, મનની સઘળી ભ્રમણા કાપી;

બાળી વાસના મલિન તમામ, તેના વિના નથી આરામ . . .      સતગુરુ

સાચી ભક્તિનો માર્ગ બતાવે, પ્રભુનાં દર્શન જરૂર કરાવે,

મળે બ્રહ્મજ્ઞાની શ્રીગુરુદેવ, તેમની કરજો નિશદિન સેવ ;

ગુરુનાં સ્મરણથી ઊર્મિ જાગે, કામ, ક્રોધ, મોહ, શત્રુ ભાગે .       સતગુરુ

થાયે શાંતિ અપરંપાર, વહે ત્યાં અખંડ આનંદ ધાર,

સદગુરૂ અદભૂત શક્તિદાતા, તેમનાં રંગમાં બનજો રાતા ;

ચડશે દિલને સાચો રંગ, તેનો માયા જ કરશે ભંગ . . . .                    સતગુરુ

ઊલટા નયનના દોષ હટાવે, દૈવી ભાવો હ્ય્દય જગાવે,

ધરે સાચો પ્રેમી ધ્યાન, નિશદિન સમજી સાચું જ્ઞાન ;

સહુ ભક્તો ગુરુકૃપા ઉપાસી, રહે છે ગુરુ દર્શનનાં પ્યાસી . .     સતગુરુ

આપને અનંત વાર પ્રણામ, ભજીએ ગુરુજી તમારું નામ


: ગુરુજી કૃપા કરો અમ ઉપર :

ગુરુજી કૃપા કરો અમ ઉપર . .

આપી હ્ય્દયમાં જ્ઞાન, આપી હ્ય્દયમાં જ્ઞાન...

અમારું હરજો બધું અજ્ઞાન . . . ગુરુજી.........ટેક

હ્ય્દયેશ્વરની આજ્ઞા માનું, છોડું કપટ ગુમાન,

શાંતિ આનંદ પ્રકાશના સંગી, ભૂલીએ ન પ્રભુ ધ્યાન ...

રાગદ્વેષનાં વિષને ત્યાગી, પ્રભુ પ્રેમે તલ્લીન,

શ્રેષ્ઠ ભાવે હ્ય્દય શણગારું, સત્ય ધર્મ આધીન ....

મનનું માન્યું દુ :ખ જ ઊપજે, પ્રભુ છે કૃપા નિધાન

વિશ્વતણું પ્રભુ પાલન કરતા, પૂર્ણ એનું વિજ્ઞાન ....

સર્વે ગુણથી સંપન્ન પ્રભુજી, અભય એનું વરદાન

દેહ પ્રભુએ ઉત્તમ આપ્યો, ઉત્તમ કળાનું જ્ઞાન ....

આશા, તૃષ્ણા, ડાકણ મોટી, ભૂલાવે સાચું ભાન

વેદશાસ્ત્રના ભેદ સમજવા, આપજો ગુરુજી જ્ઞાન....

જીવપણામાં અલ્પ જ્ઞાન છે, કરે ભેદ વધારી દીન

સર્વજ્ઞ પ્રભુથી વિમુખ બનાવે, રાખે તે ગુણથી હીન ...

નિર્બળ પ્રાણ વાસના છોડી, બને પ્રભુનું સ્થાન

બ્રહ્માનંદમાં મસ્ત બનાવે, એ જ સાચું વિજ્ઞાન....


: નૈષ્ઠિક બ્રહ્મચારી સદગુરૂ બ્રહ્મનિષ્ઠા દેજો :

નૈષ્ઠિક બ્રહ્મચારી સદગુરૂ બ્રહ્મનિષ્ઠા દેજો

બ્રહ્મનિષ્ઠા દેજો, સદગુરૂ હ્ય્દયમાં કહેજો        .....ટેક

આપ અનાદિ સદગુરૂ જ્યોતિ પ્રગટાવજો

દિવ્ય અખંડાનંદ દાતા, દયાળુ સૌને દર્શન દેજો            ....નૈષ્ઠિક

સર્વજ્ઞ શ્રેષ્ઠ બ્રહ્મવીદ્યાનાં દાની,

અમર બનાવો એવી કળાનાં જ્ઞાની                           ....નૈષ્ઠિક

ઉધ્ધાર કરવા સદગુરૂ અવનિ પર આવ્યાં,

પવિત્ર કરવા સૌને જ્ઞાનામૃત લાવ્યાં                          ....નૈષ્ઠિક

વિધવિધ સ્વરૂપે સંત બનીને આવો,

સૂના હૈયામાં બ્રહ્મનાદ ગજાવો                               ....નૈષ્ઠિક

હ્ય્દય શોભાવવા ગુરુજી હ્ય્દયમાં રહેજો,

ધ્યાન ન ચૂકીએ એવા સંદેશા દેજો                          ... નૈષ્ઠિક

આકર્ષણ કરીને ગુરુજી અમને બોલાવો,

અજ્ઞાન ટાળી દિવ્ય દ્ર્ષ્ટી બનાવો                             .... નૈષ્ઠિક

બહારની દોષવાળી વ્રુત્તિઓને વાળો,

જ્ઞાન-અગ્નિથી પાપ સમૂળાં બાળો                          .... નૈષ્ઠિક

બ્રહ્મનાં ચાર પાદ કેરું દર્શન કરાવો,

સ્થિરતાં ને શાંતિ સ્થાપી આપમાં સમાવો                  .... નૈષ્ઠિક

પૂર્ણ સ્વરૂપથી અમને પૂર્ણ બજાવજો,

અવિનાશી ભાવ સૌને નિત્ય રખાવજો                     .... નૈષ્ઠિક


.... ગુરુજી આવ્યાં છે જ્ઞાનવાળા ....

ગુરુજી આવ્યાં છે જ્ઞાનવાળા રે,

હ્ય્દયોનાં તાળા ખોલવાં રે જી                      ....

હઠાવે મનનાં બાંધેલ જાળાં રે

હ્ય્દયોનાં તાળાં ખોલવાં રે જી                      ...ટેક

જુગોની જૂની પ્રીત દેહની સંગે,

આસક્તિએ રંગ્યો ઇન્દ્રિયોના રંગે

સાચો તને રાહ ન સૂઝે રે

ગુરુ સમજાવે તો ઊગરે જી                                ...

રાગદ્વેષ ખૂબ કાળા, મુકાવે વિતરાગ વાળા

આપી અંતરમાં સાચા અજવાળા રે

સંશય સમૂળા કાપતા રે જી                          ...

ભોગોમાં ભર્યા છે શોકો,

દુ :ખમાં ડુબાવે લોકો,

છતાં તને સૂઝે નહિં સાચું રે,

તૃષ્ણાનાં લોભે ડોલતો રે જી                         ...

ધ્યાન ધર સંતવાણી, આપે જ્ઞાન, કેવળ જ્ઞાની

રાખે નહિ તલભાર ખામી રે

જો હોય સાચો સંયમી રે જી                         ...

જીવન મળ્યું શા માટે, કરો ખ્યાલ શિર સાટે

વિષયોના વિષથી જલદી ભાગ રે

તજીને ખોટું ઉરથી રે જી                             ...

કામ, કોધ તારાં વેરી, સત્ય-અહિંસા બખતર પહેરી

એનાં મૂળિયાં સમૂળાં નાખો ઉખેડી રે

વિજય સાચો તો થશે રે જી                          ....


<<  સદગુરૂ શ્રી કૃષ્ણ જ્ઞાનવાળા   <<

સદગુરૂ શ્રી કૃષ્ણ જ્ઞાનવાળા, હો પ્રાણ પ્યારા               (૨)

ત્રિકાળજ્ઞાની, જ્ઞાન વર્ષાથી સૌનાં,

સૂતેલાં હ્ય્દય જગાવે                       ....હો પ્રાણ પ્યારાં

જ્ઞાન વિજ્ઞાનથી, તૃપ્ત બનાવી,

જડતામાં ચેતના દીપાવે                    ....હો પ્રાણ પ્યારાં

દેહદ્રષ્ટિનો ભાવ નાશ કરી પ્રેમથી,

વિશુધ્ધ દ્ર્ષ્ટી બનાવે                         ....હો પ્રાણ પ્યારાં

રાગદ્વેષ, મોહ ને મમતાઓ મારી,

ચિત્ત-બુધ્ધિ સ્થિરતા જમાવે               ....હો પ્રાણ પ્યારાં

અવિચળ એકતાની સમજણ આપી,

સમતાનો ગુણ શોભાવે                     ....હો પ્રાણ પ્યારાં

પરમપ્રેમથી સમર્પિત કરી દ્યો,

અમૃતથી સ્નાન કરાવે                      ....હો પ્રાણ પ્યારાં

એરે અમૃતથી તૃપ્ત બનાવી,

જીવનની શુધ્ધિ બનાવે                     ....હો પ્રાણ પ્યારાં

નયનને, વેણને પલટાવી પોતે,

અખંડ સ્મૃતિઓ અપાવે                   ....હો પ્રાણ પ્યારાં

શમ, દમ, સાધન પાકાં બનાવી

વિષયોનાં ઝેરથી બચાવે                  ....હો પ્રાણ પ્યારાં

દર્શન દઇ પ્રભુ પાવન બનાવે,

નિર્ભય શાંતિ રખાવો                       ....હો પ્રાણ પ્યારાં