સાત્વિક ગ્રંથ શ્રી સદગુરુ ભજનામૃત આશ્રમ દ્વારા સત્સંગીઓ માટે પ્રકાશિત કરે છે. પૂ.બાપુ એ સ્વરચિત ભજનો એમાં પ્રકાશિત છે. ભજન પારાયણ વખતે તથા અન્ય ગુરૂ પૂજન વખતે આમાંથી ભજનો ગાવાનું સહેલું થાય એ હેતુથી આ ગ્રંથ બનાવેલ છે.

પ્રકાશન :

શ્રીમદ્ સદગુરુ ભજનામૃત એ પ.પૂ.સદગુરુદેવનો સ્વરચિત અનુપમ ભગવત્ ગુણાનુવાદ તેમજ અદ્વેત બોધથી સભર એક વિશિષ્ટ પ્રકારનો ખજાનો છે.  જેનું સેવન પ્રભુ પ્રિતી સંપાદન કરવામાં અતિ લાભદાયી છે. જ્ઞાનથી અજ્ઞાન દૂર કરવા માટેનો અમૂલ્ય ખજાનો છે. આ સદગુરુ ભજનામૃત સૌને પોતાનાં જીવનમાં ફળે અને સાર્થક થાય તેના માટે અધિકારી થવું અતિ આવશ્યક છે.અધિકારી થવા માટે આચારસંહિતાની પૂરી આવશ્યકતા છે. આ આચારસંહિતા ગુરૂકૃપા વિના પ્રાપ્ત થતી નથી.

ભજનામૃતના ભજનો પદે પદે સ્વ આત્મ જાગૃતિનો બોધ આપે છે. નાદ અનુસંધાન રાખી તન્મય થઇ ગાવાની આપણી ફરજ છે. આ ભક્તિ રસાયણ ગ્રંથ સદગુરુએ આપણને પ્રસાદી રૂપે ભેટ આપેલ છે. આ ભજનગ્રંથ અમૂલ્ય શાસ્ત્ર છે. તેનો આદરભાવ જાળવવો આપણી ફરજ છે. ગુરૂભક્તિ માટે આ અનિવાર્ય અંગ છે. આ ભજનો આપણી નીજી પુંજી છે, એને હ્ય્દય મંદિરમાં રાખવું જરૂરી છે. સદગુરુની આ વાણી, દેવવાણી શાસ્ત્રવાણી થી વિશેષ છે. ભજન ગાતાં જાવ તો ભૂલાશે નહીં. મનન આપમેળે મળશે. આ ભજનો જીવંત બોધનું પ્રમાણ પુરૂ પાડે છે. ભજન ગાવાં અને સાંભળવામાં પ્રમાદ ન ચાલે. સો ટકા બાપુને જાણવા હોય સમજવા હોય, બાપુ શું હતા, શું કરતા હતા અને શું કરવા પૃથ્વી પર આવ્યા હતાં એ બધું જાણવું હોય તો એમના સાચે સાચા ૧૦૦ % દર્શન શ્રી સદગુરુ ભજનામૃતમાં થાય. બીજી ઘણી એમનાં વિશેની વાતો એ બાપુની લીલા હતી.

પૂજ્ય બાપુએ પોતાનું સમગ્ર જીવન ગીતા જ્ઞાનનાં આધારે પૂરૂ કર્યુ છે. શ્રી કૃષ્ણ પ્રભુની જ્ઞાનવાણી ગીતા છે. સર્વ શ્રેષ્ઠ વેદાન્ત ઉપનિષદનો સાર ગીતા શાસ્ત્રમાં છે. ભજનામૃતમાં રચેલા ભજનો ગીતા શાસ્ત્ર પર આધાર રાખીને સરળ ભાષામાં ગાય શકાય, મનન કરી શકાય અને સમજી શકાય એ રીતે રચેલા છે. ભજનો નો અર્થ ગહન છે, જીવન જીવવા માટેનો રાહ છે. પૂજ્ય બાપુ આપણને ભક્તિ યોગ જ્ઞાનનાં યથાર્થ તત્વને સમજાવવા હંમેશા ગીતાનું પ્રમાણ ધરતાં. ગીતામાં ભગવાને શું કહ્યું છે એ સમજો - મારૂં તમારૂં કાંઇ નહીં, ભગવાન કહે તે સાચું  પૂજ્ય બાપુએ ભગવદ્ ગીતા જ્ઞાનામૃતનું પાન કરી જીવન સાર્થક કયું તેમ આપણે એમની શ્રી સદગુરુ ભજનામૃત નું પાન કરી જીવન સાર્થક કરીએ. પરમાત્મા પ્રેરિત ભજનો ગાવ ભલે પણ મનન કરીને, તો જ સત્ય સમજાય. પરમાત્માનાં માર્ગમાં ભૂલ થાય નહીં, ભૂલ હોય એ માર્ગ પરમાત્માનો નહીં. ત્યાં પરચા, પ્રસિધ્ધિ, ચમત્કારને સ્થાન નથી. રિધ્ધિ સિધ્ધિમાં સમજુ રોકાય નહીં અને રોકાવા દે નહીં. પૂજ્ય બાપુ સાદી સરળ ભાષામાં સહુને સમજાય તેમ વેદ, વેદાન્ત, ગીતા,  ઉપનિષદનો સાર ભજનમાં પ્રેમથી લખતાં જાય સહું ભાવના પ્રમાણે ગાય અને ઝીલતા જાય. સહુને અપૂર્વ આનંદ થાય. ભાવના પ્રમાણે ગાવાની સહુને છૂટ. ક્યાંય રાગ, રાગણી, ગાયકીનું દબાણ નહિ નાના મોટાં સહું ઉમળકાથી ગાય અને સહુનાં ચહેરા પર પ્રસન્નતા છવાય.

શ્રી સદગુરુ ભજનામૃત આપણને પૂ.બાપુએ વારસામાં આપેલો છે. આ અનુપમ ભેટ આપણા સહુનાં કલ્યાણ માટે છે. ભાવિકો માટે બાપુનું હંમેશ માટેનું સંભારણું છે. શ્રી સદગુરુ ભજનામૃત બાપુંનું સો ટકા સાચું પ્રતિબિંબ છે.

પંચામૃત નામનું એક બીજું પુસ્તક આશ્રમએ છાપ્યું છે. તેને નીચેના પાંચ ભાગોમાં વહેંચવામાં આવેલ છે.

૧. શાંતિ પાઠ

૨. ગુરુ પુજન

૩. ગુરુ ગીતા

૪. સમપર્ણ - ગુરુ બાવની પાઠ

૫. આચમન

વૈદિક પધ્ધતિએ શાંતી પાઠમાં શું કરવાનું હોય, કયા શ્લોક અને મંત્ર બોલવાનાં હોય અને તેનો શો અર્થ થાય છે તે સમજાવ્યું છે. એ જ રીતે ગુરુ પુજન કેવી રીતે કરવાનું હોય તેની સરળ રીત બતાવી છે. તેમાં બોલાતાં શ્લોક અને મંત્રોનો શું મહત્ત્વ છે તે સમજાવ્યું છે.

સમપર્ણ અને ગુરુ બાવની પાઠમાં ૧૩ છઠ્ઠ ક્યારે આવે તે બતાવ્યું છે અને છઠ્ઠનું મહત્ત્વ સમજાવ્યું છે. પૂજ્ય બાપુનો જન્મ સંવત ૧૯૬૭ માગશર સુદ ૬ (છઠ્ઠ) ના દિવસે સીમર ગામ સૌરાષ્ટ્રમાં થયો હતો. તેથી વર્ષમાં આવતી દરેક ૧૨ છઠ્ઠ અને અધિક માસની છઠ્ઠ એમને યાદ કરી ઉજવવામાં આવે છે. દરેક છઠ્ઠનું જુદુ જુદું મહત્ત્વ છે તે અહીં બતાવ્યું છે.

આચમન નામના વિભાગમાં આજ સુધી ઉજવાયેલા મહત્ત્વનાં જુદા જુદા પ્રસંગો, પર્વ અને ઉત્સવો વિશે જણાવ્યું છે. આશ્રમમાં આવેલાં જુદા જુદા મકાનો અને તે શા માટે બાંધ્યાં છે તે જણાવેલું છે. કલ્યાણકારી બીજાં ધાર્મિક કાર્યકમો જે ઉજવેલા તે બતાવ્યું છે. જ્ઞાનમંદિર નામનો આશ્રમ શામાટે બાંધ્યો અને તેનું ઉદેશ શું છે તે જણાવ્યું છે.