આપણાં પુરાણો પ્રમાણે આપણા શાસ્ત્રો પ્રમાણે દરેક ધાર્મિક કે સામાજીક પ્રવૃત્તિ વખતે જે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે તેમાં યજ્ઞ બહુ અગત્યની વિધિ છે. યજ્ઞ તો હોય જ છે. યજ્ઞ વાતાવરણને શુધ્ધ કરે છે. ઘી હોમવાથી વાતાવરણ શુધ્ધ થઇ જતું રહિત થાય છે.પર્યાવરણની સમતુલા જાળવવામાં પણ આ ખુબ કામ આવે છે જે હમણાંની શોધ છે પરંતુ આપણે ત્યાં તો વર્ષોથી આ વિધિ ચાલી આવે છે. પર્યાવરણને સાચવવાની વાત તો આજે થઇ રહી છે પણ શાસ્ત્રોમાં તો યજ્ઞ વિધિ હજારો વર્ષ પહેલાં નક્કી થઇ ગયેલ. આપણાં જૂનાં ઋષિમુનિઓ સંતોને આ વાતનો ખ્યાલ ત્યારથી જ આવી ગયેલ એમ માનવું જોઇએ.

સંસ્થામાં રોજ યજ્ઞ કરવામાં આવે છે. અચુક રોજ - ૩૬૫ દિવસ આ વિધિ કરવામાં આવે જ છે. આ વિધિ પૂરી વૈદિક પરંપરા મુજબ જ કરવામાં આવે છે. વાતાવરણ શુધ્ધ થાય તો ભજન, ભોજન કે બીજી પ્રવૃત્તિ કરતી વખતે પણ એક પ્રકારનું આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. સત્સંગીઓ એ અનુભવ્યું છે કે તેમને આ વિધિથી નિરવ શાંતિ મળે છે. ભગવાનનાં ધ્યાનમાં લીન થઇ દરેક કાર્ય કરવામાં આનંદ મળે છે. કાર્ય સારી રીતે થાય છે. યજ્ઞ આ રીતે મહત્વનાં છે અને વૈદિક વિધિથી કરેલા યજ્ઞ એનું ફળ આપે જ છે.

યજ્ઞ અને હવન વિશે :

ગાયના ઘી નો હવન :
હવનનું લઘુત્તમ સ્વરૂપ અગ્નિહોત્ર એક પ્રાચીન વૈદિક પ્રિકયા છે જે બીમારીઓ દૂર કરવા, પ્રદુષણ રોકવા તથા સુખ શાંતિ મેળવવા ગૃહચિકત્સા રૂપે અપનાવામાં આવે છે. ગાયનું શુધ્ધ ઘી અને તેની સાથેની પવિત્ર શુધ્ધ હવનની સામગ્રી આહુતિ રૂપે હવનકુંડમાં અગ્નિને આપવામાં આવે છે ત્યારે ચાર પ્રકારના વાયુઓ ઉર્જાના રૂપમાં ઉત્તપન્ન થાય છે એથિલિન ઓકસાઇડ, પ્રોપિલિન ઓકસાઇડ, હાર્મેલ્ડિહાઇડ અને બીટાપ્રાપિયોલેકટોન. આહુતિ આપ્યા પછી ગાયના ઘી થી એસિટિલિનનું નિર્માણ થાય છે. આ એસિટિલિન પ્રખર ઉષ્ણતાની ઉર્જા છે જેથી પર્યાવરણ શુધ્ધ થાય છે. ગાયના શુધ્ધ ઘી થી ઉત્ત્પન્ન થતા વાયુઓમાં ઘણી બીમારીઓ તથા મનની તાણ દૂર કરવાની અદભુત્ત ક્ષમતા છે. પરિણામે સ્વાસ્થ્ય સુધરે છે. માનસિક શાંતિ મળે છે.

એટલે જ જ્યારે પણ ઘરમાં દેવસ્થાને દીવો, આરતી પ્રગટાવો ત્યારે કેવળ ગાયના શુધ્ધ ઘી નો જ આગ્રહ રાખવો. એનાથી વાતાવરણ શુધ્ધ બનશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે. હવનથી અગ્નિથી પદાર્થ વાયુ ઉર્જામાં પરિવર્તન થાય છે. તે નાશ પામતો નથી. સાથે સાથે વૈજ્ઞાનિક સિધ્ધ હકીકત એ પણ છે કે પદાર્થ કરતાં તેના ચૂર્ણમાં ચૂર્ણ કરતાં તેના પ્રવાહી રૂપમાં કે ગેસના રૂપમાં અધિક શક્તિ હોય છે. ૧ તોલો હીંગ એક ક્વિન્ટલ દાળને સુગંધિત કરી શકે છે તેજ રીતે હવનકુંડના અગ્નિમાં સુગંધિત રોગનાશક પુષ્ટિવર્ધક મધુર પદાર્થોને વિધિવત ગાયના શુધ્ધ ઘી કે તેનાં છાણાં સાથે સમીધ (નવ જાત) નાં પવિત્ર લાકડાં સાથે બાળવામાં આવે છે ત્યારે તો તે વાયુ ઊર્જા પ્રબળ શક્તિશાળી બનીને વાતાવરણમાં રહેલા વાયુના હજારોગણા પ્રદુષણને નષ્ટ કરીને સુગંધિત તથા આનંદદાયી વાતાવરણ સર્જે છે. તે સ્વાસ્થ્યને સુખમય આનંદમય અને સ્વસ્થ બનાવી જીવન તાણમુક્ત અને રસમય બનાવે છે.

એક પ્રશ્ન થાય કે યજ્ઞમાં હવનમાં અગ્નિમાં લાકડાં કે બીજા પદાર્થો બાળવાથી કાર્બન ડાયોકસાઇડ ગેસ ઉત્તપન્ન થાય છે. જે મનુષ્ય જીવન માટે હાનિકારક છે. તો તે પ્રશ્નનાં નિરાકરણ માટે જણાવવાનું કે પ્રામાણિત રૂપે બનેલા યજ્ઞકુંડમાં નિર્ધારિત વૃક્ષોનાં લાકડાં (સમીધનાં) બાળવામાં આવે અને ઉચત માત્રામાં ગાયનું શુધ્ધ ઘી તથા શુધ્ધ હવન સામગ્રી હોમવામાં આવે તો ખુબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ પેદા થાય અને તે પણ આજુ બાજુ ના ઝાડ ગ્રહણ કરી લે. પરંતુ યક્ષ હવનથી બીજા જે લાભદાયક વાયુઓ ઉત્તપન્ન થાય તે ખુબજ અધિક માત્રામાં થાય અને તે વાયુના પ્રદુષણને નષ્ટ કરીને વાતાવરણ સુગંધિત અને સ્વાસ્થ્યમય કરે છે. હજારગણાં પ્રદુષિત વાતાવરણને હવન યજ્ઞથી ઉત્તપન્ન થયેલા ધુમાડાની એક માત્રા જ શુધ્ધ કરવાની શક્તિ ધરાવે છે.

ગાયત્રીમંત્ર અને ગાયના ઘી દ્વારા થયેલા યજ્ઞના જુદા જુદા ફાયદા :

પ્રમેહરોગનો નાશ : ઓદુમ્બર (ઉમરડા) ની સમીધાને ઘી સાથે હોમ કરવાથી સર્વ પ્રકારના પ્રમેહ દૂર થાય છે. આંખની છારી : ઘી, દહીં અને મધ ભેગા કરીને અથવા કપિલા ઘી વડે હોમ કરવાથી આંખની છારી નાશ પામે છે. લક્ષ્મી પ્રાપ્તિ : લાલ કમળના અથવા જૂઇના તાજાં ફૂલનો ઘી સાથે હોમ કરવાથી સુવર્ણ અને લક્ષ્મી મળે છે.મહાનલક્ષ્મી પ્રાપ્તિ બિલ્વ (બીલી)ના વૃક્ષની સમીધા અથવા બીલ્વપત્રોને ઘી અને દૂધમાં પલાળી હોમ કરવાથી મહાન લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.

સુવર્ણ પ્રાપ્તિ અને આયુષ્ય વૃધ્ધિ : પલાશ (ખાખરા)ની લીલી સમીધાયો ઘી, મધ અને દહીં માં પલાળીને અને ચોખાનો ઘી સાથે હોમ કરવાથી સુવર્ણ પ્રાપ્તિ થાય છે અને આયુષ્ય વધે છે. ભાગ્યની વૃધ્ધિ : શુધ્ધ ગુગળની ગોળીઓ બનાવી તેનો ઘી સાથે હોમ કરવાથી મહાન ભાગ્યની વૃધ્ધિ થાય છે. પ્રાચીન ભારતમાં પ્રચિલત થયેલા યજ્ઞનો પ્રભાવ ભલે આજે આપણાં દેશમાં ઓછો થતો જાય છે પણ વિદેશનાં ઘણાદેશોમાં હવે એનો પ્રભાવ વધ્યો છે. તેઓ એ એને ધાર્મિક વિધિ સાથે માનવજીવનનાં શારીરિક અને માનસિક આરોગ્ય માટે કેમ ઉપયોગી થાય છે તેનું સંશોધન કરેલું છે. જુદી જુદી વનસ્પતિ અને સામગ્રી કેવી રીતે શરીરના આરોગ્યમાં કામ આવે છે તે ધ્યાનમાં રાખીને તેઓ યજ્ઞ અને હવનનો ઉપયોગ કરે છે. વનસ્પતિ અને વિવિધિ પદાર્થો કોઇને કોઇ ગુણધર્મ ધરાવે છે જે માણસનાં આરોગ્યમાં કામ આવે છે.

રશિયાના વૈજ્ઞાનિક શિરોવિએ એક પુસ્તકમાં લખ્યું છે કે ગાયના ઘીને અગ્નિમાં નાખવામાં આવતા તેનાથી ઉત્પન્ન થતો ધુમાડો અણુ વિકિરણના પ્રભાવને ખાસ્સો દૂર કરે છે.

એન્સ્યીન્ટ હિસ્ટરી ઓફ મેડિસિનમાં (Ancient History of Medicine by M.Monier) ચિકિત્સાશાસ્ત્રી એમ.મોનિયર કહે છે કે રોગના જંતુઓને નાશ કરવા યજ્ઞથી સરળ અને સુલભ બીજી કોઇ પધ્ધિત નથી. ફ્રાન્સના વૈજ્ઞાનિક ટિલવર્ટના મતાનુસાર એનાથી ક્ષયરોગ, ઓરી, અછબડા, શીતળા અને કોલેરાનાં વિષાણુંઓ નષ્ટ થઇ જાય છે. ડો.કર્નલ કિંગે સાબિત કર્યુ છે કે કેસર અને ચોખા મેળવીને ગાયનાં ઘીનાં હવન કરવાથી પ્લેગનાં કિટાણું નાશ પામે છે. ડો.ડિલર માને છે કે નાની મોટી દ્રાક્ષ અને બીજાં સુકામેવા નાખી હવન કરવાથી સિન્નપાત, જવર તથા ટાઇફોઇડનાં જીવાણું ફક્ત અડધા કલાકમાં નષ્ટ થાય છે.

સૌથી અચરજ પમાડે એવો પ્રયોગ પુનાની ફર્ગ્યુસન કોલેજના જીવાણુશાસ્ત્રીઓએ કર્યો છે. આઠ હજાર ઘન ફુટનાં
એક હોલમાં કૃત્રિમ રીતે તૈયાર કરેલો વાયુદોષણનો ૭૭.૫% ભાગ કેવળ એકવાર ગાયનાં ઘીના હવન કરવાથી દૂર
થયો હતો. અમેરિકા, ચિલી, પોલેન્ડ અને જર્મનીમાં હવનનો પ્રચાર વધી રહ્યો છે. વિશ્વના દરેક દેશોમાં બિમારીઓ દૂર કરવા પ્રદુષણ ઘટાડવા અને ખેત ઉત્પાદન વધારવા, યજ્ઞ હવનનાં પ્રયોગો અને ચિકિત્સા થેરેપીનું પ્રચલન વધી રહ્યું છે. પ્રાચીનકાળમાં આરોગ્ય સંવર્ધન અને રોગ નિવારણ માટે ભૈષજ યજ્ઞ કરવામાં આવતા હતા. આ યજ્ઞો ઋતુઓ પ્રમાણે કરવામાં આવતા હતા. અમુક ઋતુઓમાં અમુક પ્રકારનાં રોગો વધુ થાય છે તેથી તે પ્રમાણે કરતા હતા. યજ્ઞોની વિશિષ્ટ્તા એ છે કે તેમાં હોમવામાં આવતી હવનસામગ્રી વનસ્પતિ કે પદાર્થ વાયુરૂપ ધારણ કરીને કેવળ શારીરિક રોગોજ દૂર કરતી નથી તેના પ્રભાવથી માનસિક બિમારી અને મનોવિકૃતિઓથી પણ છુટકારો મળે છે. આજે મનોવિકારો અને માનસિક રોગોની ભરમાટ છે. ૯૦ ટકા વ્યિક્ત તાણ, દબાણ, હતાશા, અનિંદ્રા, ચિંતા, આવેશ, ક્રોધ, ઉત્તેજન, ઉશ્કેરાટ, ઉન્માદ, પાગલપન, નિરાશા, ઉદાસિનતા, શંકા, અવિશ્વાસ, ભય,અસંતુલન જેવા કોઇને કોઇ માનસિક રોગથી પીડાતી હોય છે. આ વિકારોથી વ્યક્તિનું વ્યક્તિત્વ તૂટી જાય છે. આવી સ્થિતીમાં યજ્ઞ અને હવનને કારણે જે વાયુ પેદા થાય છે તે માણસને સ્વસ્થ કરી શકે છે.

યજ્ઞમાં હોમવામાં આવેલા ગાયના ઘી, શુધ્ધ વનસ્પતિ, ઔષધિઓની સુવાસિત ઉર્જા તેના વિકૃત મગજ અને વિકૃત મનને સ્વસ્થ કરી શકે છે. હવનકુંડમાં ઉત્તપન્ન થતી ઉર્જા વજનમાં હલકી હોય છે. તે ઉપર બાજુએ જાય છે. નાક વાટે ખેચવામાં આવે ત્યાંથી ફેફસાં અને પછી શરીરના બીજા ભાગોમાં અને મગજમાં આરામથી પહોંચી શકે છે.શરીરમાં આ રીતે ફેલાય ને લોહી ભ્રમણ વધારે છે. મન અને મગજને પ્રફુલ્લિત કરે છે. ઔષધિઓના શુધ્ધ તત્વો સુક્ષ્મ અંશો સુગંધિત તત્ત્વો મસ્તિષ્કનાં અમુક ક્ષેત્રોમાં પહોંચે છે અને માણસને રાહત આપે છે.ફેફસાં, મગજ અને શરીરનાં બીજા ભાગોમાં આ સુગંધિત તત્ત્વો પહોંચે પછી માણસને રાહત મળે છે.બીજા કોઇ રીતે આ તત્ત્વો જુદા જુદા ભાગો અને શરીરના અંશોમાં આટલી આસાનીથી નથી પહોંચી શકતા.અચેતનનાં ગહન સ્તર સુધી યજ્ઞની ઉર્જા પહોંચી હોય છે અને ત્યાં મૂળ કરી બેઠેલા વિકારોને, બિમારીને બહાર કાઢવામાં સફળતા મેળવે છે. જેમ સિગારેટ, બીડી, ગુટકા, ગાંજો, ચરસ વગેરે માદક પદાર્થોના ધુમાડાથી ખરાબ અસર શરીરનાં ભાગોમાં થાય છે તેમ જ સારી વનસ્પતિ ગાયનું ઘી ઔષધિઓના ધુમાડાથી ઉત્તપન્ન થયેલી સુગંધીત ઉર્જાથી માનસિક રોગો ફેફસાં અને ગળાના રોગો દૂર કરે છે.શુધ્ધ ઘીની હવનમાં આહુતિઓ આપવાથી ઉત્તપન્ન થતો ધુમાડો સીધો લોહીમાં ભળી જતો હોવાથી માનવીના શરીર અને મગજ પર તાત્તકાલિક અસર કરે છે. શરીર અને મગજ પર તાત્કાલિક અસર કરે છે. શરીર અને મનનાં વિકારો દૂર કરવા માટે હવન નાં ધુમાડાથી યોગ્ય ઉપાય બીજો નથી. આ શ્રેષ્ઠ ઉપાય છે.

ઘેર ઘેર નિયમિત હવન કરવાથી સુખ શાંતિ, સ્વાસ્થય આનંદ અને શક્તિ મળે છે. કુટુંબભાવના કેળવાય છે. રોગ, ભય અને અનિચ્છનિય ઘટનાઓ દૂર થાય છે. ભસ્મ ચોપડવાથી ચામડીનાં રોગ દૂર થાય છે. કામ, ક્રોધ, મદ, લોભ, અહંકાર દૂર થતા માનસિક શાંતિ અને સ્વચ્છતા મળે છે.

અગ્નિમાં હોમવાથી કોઇ પદાર્થ નાશ પામતો નથી. તે ઘન અને પ્રવાહી રૂપમાંથી ગેસ અને વાયુ રૂપમાં રુપાંતરિત થાય છે. ૫૦ ગ્રામ ઘી ખાવાથી ફક્ત ૧ મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરે છે પણ એજ ઘી યજ્ઞમાં હોમવાથી જે શક્તિશાળી વાયુ બને છે તે પ્રચંડ ઉર્જા પેદા કરે છે અને હજારો મનુષ્યો પ્રાણીઓ અને ઝાડ પાનને લાભદાયક થાય છે. હવનમાં મંત્રોથી આહુતિ આપવામાં આવે છે. સૌ પ્રથમ “ૐ” ઓમ બોલીને શરૂઆત કરવામાં આવે છે. આ “ૐ” શુધ્ધિકરણનો શ્રેષ્ઠ મંત્ર છે. અગ્નિતત્ત્વ થી બનેલો “ૐ” શરીરમાં પ્રચંડ ઉર્જા પેદા કરે છે. નાભિમાંથી બોલતો હોવાથી પ્રચંડ ઉર્જા શરીરમાં પેદા કરે છે. આપણને બોધ કરાવે છે કે સમસ્ત પ્રાકૃતિક પદાર્થોનું આદિમૂળ પરમેશ્વર છે. અર્થાત આપણી પાસે જે ધન, બળ, વિદ્યા, સામર્થય વગેરે છે તે બધાનો ઉત્પાદક રક્ષક ધારક સ્વામી પરમેશ્વર છે. મંત્રનાં અંતમાં આપણે સ્વાહા બોલીએ છે. તે આપણને ઉપદેશ આપે છે કે હંમેશા પ્રિય બોલો. જેવું જ્ઞાન મનમાં છે તેવું બોલો અને ઉત્ત્તમ પદાર્થોનું દાન કર્યા જ કરો. છેલ્લે એક શબ્દ ઇદન્નમમ્ બોલવામાં આવે છે. તેનો અર્થ છે કે આ મારૂં નથી. સંસારની વસ્તુઓ માટે આપણું જે મમત્વ છે તે ઓછુ કરવા માટે આ ઉપદેશ આપે છે. જરૂર પડે ત્યારે પ્રિયમાં પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરીશું એમ કહેવા માંગે છે.

હવનમાં પ્રજ્જવિલત થતો અગ્નિ આપણને ૩ ગુણ તત્ત્વો કહે છે. પ્રકાશ : પ્રકાશિત કરો. તાપ : તાપથી રાગ, દ્વેષ, ઇર્ષા, અહંકાર, આળસ, પ્રમાદ, સ્વાર્થ, મોહ વગેરે કુવાસનાઓ ને બાળો. ગતિ : રોકાઓ નહીં પુ૨ષાર્થ કરો. કષ્ટ આવે પણ અવિરત આગળ વધો. નવો ઉત્સાહ નવી પ્રેરણા નવા સંકલ્પ સાથે રોજ આગળ વધો. અંતમાં યજ્ઞમાં સર્વ વૈ પૂર્ણ સ્વાહા કહેવામાં આવે છે. એ બોધ આપે છે કે આ વર્તમાન સંસાર સાથે આપણો જે સંબંધ છે તે એક દિવસ પુરો થશે. બધું રાખ થઇ જશે. જેમ યજ્ઞમાં હોમવાથી રાખ થઇ જાય છે તેમ આપણે રાખ થઇ જશું. પંચતત્ત્વમાંથી આવ્યા પાછા પંચતત્ત્વમાં જતા રહીંશું. માટે વ્યવહાર અને વિચારમાં ત્યાગ ભાવના કેળવો, બીજાને પોતાનું આપો. લેવું તે સ્વાર્થ છે આપવું તે ત્યાગ છે. પ્રકૃતિ પાસેથી,સમાજ પાસેથી જે કાંઇ લો તેને અનેક ગણું કરી પાછું આપો.